Design a site like this with WordPress.com
Get started

“નોર્થપોલ”



વર્ષ 2020 આપણા સૌ માટે ખૂબ જ કઠિન રહ્યું હતું. કોરોના નામની મહામારીએ આખા વિશ્વમાં આતંક મચાવ્યો હતો. ઘણાં લોકોએ આ બિમારીથી પોતાના જીવ ગુમાવ્યા, ઘણાંએ પોતાના સ્વજનો ગુમાવ્યા, ઘણાં દેશોનુ઼ં અર્થતંત્ર ખોરવાઈ ગયુ, ટૂંકમાં બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. આ બિમારી કે જે, વાઈરસથી ફેલાય છે, તેને ફેલાતી અટકાવવા 3 મહિનાનું સંપૂર્ણ લોકડાઉન પણ જાહેર કરાયું હતું. જેનાથી લોકોને સુરક્ષા તો મળી હતી પરંતુ ઘણીબધી તકલીફો પણ વેઠવી પડી હતી.

આ તો થઈ નકારાત્મક બાબતો. આપણે લોકડાઉનનાં હકારાત્મક પાસાંઓ વિશે પણ વાત કરી શકીએ છીએ. જેમ કે, આ સમય દરમ્યાન લોકોને પોતાના પરિવાર સાથે ઘણો સમય વિતાવવા મળ્યો, ઘણીબધી નવી વસ્તુઓ શીખવાનો તથા પોતાની હોબીઝ પાછળ વધારે સમય વિતાવવા મળ્યો. ટૂંકમાં, પોતાનામાં રહેલી સ્કિલઝને ડેવલપ કરવાનો સમય તથા તક મળી.

મેં પણ લોકડાઉનમાં ઘણી નવી વસ્તુઓ ટ્રાય કરી. પરંતુ, સૌથી સારી ટેવ પડી એ છે – પુસ્તકો વાંચવાની. મેં હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ સમય દરમ્યાન ઘણી નવલકથાઓ વાંચી. અને એમાંથી જ એક ગુજરાતી નવલકથા “નોર્થપોલ” વિશે હું વાત કરવા માંગુ છું. જેના લેખક છે શ્રી જીતેશ દોંગા.

તો,
નોર્થપોલ એ વાર્તા છે – એક સાધારણ યુવાનની કે જે, એન્જિનિયર છે.અને આ વાર્તા છે, આ યુવાનની આત્મખોજની. આ સાધારણ યુવાનમાં એક અસાધારણ વાત એ હતી કે, તેને આ “સાધારણ” શબ્દથી નફરત હતી. આ શબ્દ તેના હૃદયમાં સતત ખૂંચ્યા કરતો. અને તેનું કારણ હતુ તેની તમન્નાઓ. તેને તમન્ના હતી, દુનિયાએ બનાવેલ સાધારણ નિયમોથી વિરુદ્ધ જઈ કંઈક અલગ કરવાની, સોસાયટીએ બનાવેલા ચોકઠાંમાથી બહાર નીકળીને પોતાની રીતે જીંદગી જીવવાની અને હૃદયના ઊંડાણમાં પડેલા સપનાઓને ઉલેચીને જીંદગીના એકેએક રસને પીવાની. પોતાના મનગમતા કામ, પોતાના પેશનને વ્યવસાય બનાવી તેણે જીંદગીની મજા માણવી હતી. પરંતુ ઉપાધિ જ ત્યાં હતી કે તેને પોતાનું પેશન જ ખબર નથી. અને આ કારણસર તે પીડાય છે. તે પોતાની જાતને ફ્લોપ સમજે છે, પોતાની જીંદગીને ફ્લોપ સમજે છે. આવાંને આવા વિચારોમાં હંમેશા ઉદાસ રહે છે. તેને પોતાનું ” હોવું ” વ્યર્થ લાગે છે અને આ વ્યર્થતા આગળ કોઇ પોઝિટિવ વાતો, કોઈ મોટિવેશનલ સ્ટોરી, કંઈ જ કામ આવતું નથી. આવા વિચારોથી કંટાળીને કે એમ પણ કહી શકાય પ્રેરાઇને આ યુવાન એક દિવસ નીકળી પડે છે, પોતાનું પેશન શોધવા. માંડ માંડ મળેલી અને ન ગમતી જોબ છોડીને તથા સમાજના પ્રવાહની સાથે વહેવાના નિયમને તોડીને, પોતે અલગ પ્રવાહનું નિર્માણ કરીને.

આ યાત્રામાં તેની પીડાનું શમન કરવા તેના જીવનમાં આવે છે, તેની મિત્ર, માર્ગદર્શક અને જીવનસંગીની. જે આ યુવાનને જીવન જીવતા શીખવે છે, તેની અંદર રહેલા કંઈક કરી બતાવવાના સ્પાર્કને ઉજવતાં શીખવે છે, પેશન શોધવાની યાત્રાને માણતાં શીખવે છે અને તેને સમજાવે છે કે, તેની અંદર પોતાની જાત પ્રત્યે તથા સમાજ પ્રત્યે જે ગુસ્સો છે, તે તેની કમજોરી નહિ પરંતુ તેની તાકાત બનવો જોઈએ. કારણ કે, કંઈક કરી બતાવવા માટે કયાંકને કયાંક આ ગુસ્સો તથા જૂના નિયમો પ્રત્યે અણગમો પણ જરૂરી છે.

આપણાં મનમાં ભવિષ્ય વિશેના, જીવન વિશેના ઘણાં સવાલો હોય છે. જેના જવાબ મળવા ખૂબ જ મુશ્કેલ હોય છે અને ઘણીવાર ઘણાંબધાં પ્રયત્નો પછી પણ જવાબો ના મળતાં આપણે પરિસ્થિતિને સ્વીકારી, તે પરિસ્થિતિને જ જવાબ સમજી, જવાબો શોધવાનું પડતું મૂકીને આગળ વધી જઈએ છીએ અને ન ગમતું કામ કરવામાં આખી જિંદગી વીતી જાય છે.

ભણવું, સારી જોબ મેળવવી, પૈસા કમાવા, લગ્ન કરવા, ત્યારબાદ બાળકો, બાળકોને ભણાવવા, તેમની લાઈફ સુરક્ષિત કરવી અને દુનિયાના ને સમાજના વ્યવહારોને સાચવતાં સાચવચાં જ એક દિવસ આ દુનિયામાંથી વિદાય લઈ લેવી. આ ચક્રને જ મોટાભાગનાં લોકો જીવન સમજી લે છે.

જ્યારે આ વાર્તા શીખવે છે કે, ફક્ત આ જ જીવન નથી. તમારું કંઈક લક્ષ્ય હોવું જોઈએ, અને એ લક્ષ્ય પ્રત્યે તમે પૂર્ણતહ સમર્પિત હોવા જોઈએ, એ લક્ષ્ય જો ખબર ના હોય, તો તેની શોધ કરો અને તેને પ્રાપ્ત કરવા મહેનત કરવા લાગો. દુનિયાના ને સમાજના જે નિયમો નથી ગમતાં તેનો અસ્વીકાર કરો. કારણ કે, જે માણસ દુનિયાના નિયમનો અસ્વીકાર કરવા ઊભો થાય છે તેને માટે જગત ખુશ થઈને પોતાના અમુક નિયમો તો બદલી જ આપે છે, નાછૂટકે બદલવા પડે છે. આ વાર્તાના નાયકનો જે ગુસ્સો તથા જીવન પ્રત્યેનો ધિક્કાર છે અથવા તો એમ કહું, ” સામાન્ય ” જીવન પ્રત્યેનો ધિક્કાર,જે વગરવિચારે ઘેટાંના ટોળામાં જવાથી ઉત્પન્ન થયો હોય છે તે પણ ક્યાંકને ક્યાંક સફળ જીવન માટે જરૂરી છે. પરંતુ, એ ધિક્કાર તમારી ખુશીનાં ભોગે પણ ન હોવો જોઈએ. માણસે ખુશ રહેવું જોઈએ. જે નાનકડી મસ્ત મજાની જિંદગાની મળી છે તેને વધુ સારી બનાવાની દોડમાં જીવવાનું જ ભૂલી જઈએ એ પણ ના ચાલે. જીવનની ઉજવણી કરવી જોઈએ.

આવાં સુવર્ણ વિચારો વ્યક્ત કરતી આ વાર્તા જીવન તરફનાં દૃષ્ટિકોણને એક અલગ દિશા આપનારી છે. અને તેથી જ હું આ પુસ્તકને, આ નવલકથાને, મને મળેલી ભેટ તરીકે સંબોધું છું✨

સરનામું???

ચારેય બાજુ નીરવ શાંતિ હતી. માત્રને માત્ર સામેની દિવાલ પર લટકતી ઘડિયાળનો “ટિક…ટિક…” અવાજ આવી રહ્યો હતો, જે રાતના 3 વાગ્યાનો સમય બતાવી રહી હતી. બહાર જેટલી શાંતિ હતી, એટલું જ મીરાંનું મન અશાંત હતું. તેનું મન ઘણું બધું કહેવા માંગતું હતું, અને એટલે જ કદાચ કંઈ જ સ્પષ્ટ કહી શકતું નહોતું. અને હવે કહે તોય કોને કહે?? તેને સાંભળનાર વ્યક્તિ, તેને સમજનાર વ્યક્તિ, તેની પાસે નથી. ખૂબ દૂર જતી રહી છે તે વ્યક્તિ. મનમાં ચાલી રહેલા વિચારો જે ઘોંઘાટ કરી રહ્યા હતાં, જે શોર કરી રહ્યા હતા, એનાથી મીરાંને ખૂબ જ પીડા થતી હતી. પણ, તે તેના મનને શાંત કરવાનો પ્રયાસ પણ કરતી નથી. તેના મનને ચૂપ રહેવા, વિચારોને બંધ કરવાનું પણ કહેતી નથી. કારણ…? કારણ તો તેને પોતાને પણ ખબર નથી. કદાચ, તેને ખબર પડી ગઈ હશે કે, મનને સમજાવવું હવે વ્યર્થ છે. તેને થયું હશે, જે વિચારોએ મને ઘેરી લીધી છે, તે વિચારો’ય ક્યારેક તો થાકશે ને…? જે દિવસ થાકશે, તે દિવસ મને હેરાન કરવાનું બંધ કરશે. અત્યારે તેમને રોકવાના વ્યર્થ પ્રયત્નો શું કામ કરવા?

મીરાં ઘણાં સમયથી બેડ પર આમથી તેમ પડખાં ફેરવી રહી હતી. ઊંઘ આવવાનું નામ લેતી નથી. તેની આંખોમાં દુઃખ, ઉદાસી, બેચેની, અકળામણ બધું જ છે. નથી, તો માત્ર ઊંઘ. બાજુની દિવાલ પર લટકતાં તારીખિયા પર નજર જાય છે. આજની તારીખ વાંચે છે અને વિચારોના વમળમાં વધારે ને વધારે ફસાતી જાય છે. વિચારોનો ઘોંઘાટ એટલો બધો વધી જાય છે કે, તે બેડમાંથી ઊભી થઈ જાય છે. બહાર બાલ્કનીમાં આવે છે, ત્યાં મૂકેલી ખૂરશી પર આવીને બેસે છે અને આકાશ તરફ જોઈ રહે છે. એવી રીતે જાણે કંઈક શોધતી હોય, અથવા જાણે એને પોતે આકાશ બની જવું હોય એમ. હા, એને આકાશ જ બની જવું હતું. એકદમ શાંત, એકદમ સ્થિર. એટલું શાંત કે જે તેને નિહાળે તેના મનમાંય શાંતિનો સંચાર થવા લાગે.

કલાકેક, તે બસ એમ જ આકાશમાં જોયા કરે છે. ફરી પાછી રુમમાં આવે છે. બેગમાંથી એક ડાયરી કાઢે છે. ડાયરીના પ્રથમ પેજ પર લખેલું નામ…એ નામ વાંચીને હદયમાં જાણે ફાળ પડે છે. “સ્વરા”…ધ્રૂજતા હાથે મીરાં આ નામને સ્પર્શે છે, અને આંખમાંથી આંસુ સરી પડે છે. તે આંખો બંધ કરી જાય છે. ભૂતકાળના દ્રશ્યો એક પછી એક નજર સમક્ષ આવતાં જાય છે. તેની સૌથી પ્રિય, સૌથી ખાસ સહેલી – સ્વરા સાથે વિતાવેલ સોનેરી સમયનાં દ્રશ્યો.

એ સોનેરી સમય જ્યારે, તે બંને સાથે હતાં, સાથે સ્કૂલ જતા, એક જ બેન્ચ પર સાથે બેસીને ભણતાં, બંનેના ઘર એકબીજાથી માત્ર 10 જ મિનિટનાં અંતરે હતા, તેથી બંને રોજ સાંજે સાથે આંટો મારવા જતાં, ઘણીવાર ઘરની નજીક જે બગીચો છે, ત્યાં બેસી રહેતાં ને વાતો કર્યા કરતા, ક્યારેક બેડમિન્ટન રમતાં, પરીક્ષાની તૈયારી બંને હંમેશા સાથે જ કરતાં, સ્કૂલનું કોઈપણ અસાઈનમેન્ટ, કોઈપણ પ્રોજેકટ બંને સાથે જ તૈયાર કરતાં, દરેક તહેવાર, દરેક ખુશીની ઉજવણી સાથે કરતાં અને દુઃખમાં પણ સાચા અર્થમાં એકબીજાની સાથે ઊભા રહેતા.

જેમ જેમ બધું યાદ આવી રહ્યું હતું, તેમ તેમ મીરાંની આંખો વધારે ને વધારે વરસી રહી હતી. એનું હદય કેમેય કરીને માત્ર સ્વરાની હાજરી ઝંખતું હતું. એ ક્ષણો યાદ આવી રહી હતી જ્યારે, કઠિન સમયમાં માત્ર સ્વરાનું તેની સાથે હોવું જ તેને ગમે તે શિખર સર કરી દેવાની હિંમત આપતું હતું. આંખોમાં જે અશ્રુસમન્દર છુપાયેલો હતો, તે આજે તોફાને ચડયો હતો, પાંપણનો કિનારો તેને રોકવાના ગમે તેટલાં પ્રયત્નો કરે, એ ક્યાં આજે કોઈના રોકવાથી રોકાવાનો હતો?



સવારે 7 વાગ્યાનું અલાર્મ વાગે છે અને મીરાંની તંદ્રા તૂટે છે. તે છેલ્લા ઘણાં સમયથી સ્વરાની ડાયરીને હાથમાં પકડીને રડી રહી હતી. મગજમાં કંઈક ચમકારો થયો હોય એમ મીરાં એકદમથી ઊભી થાય છે. કાગળ અને પેન લઈને એક પત્ર લખવાનું ચાલુ કરે છે.

“સ્વરા…

કયાં છે યાર તું??? કેટલાં સમયથી આપણે મળ્યા નથી. તને મારી યાદ આવે છે કે નહિ એ તો મને નથી ખબર, પણ યાર…મને તારી ખૂબ જ યાદ આવે છે. અમુક વખત થાય છે, બધું જ મૂકીને, દોડીને તારી પાસે આવી જવ. પરંતુ, એ’ય શક્ય નથી. આપણે છેલ્લા 7 વર્ષ જોડે વિતાવ્યાં છે. આજુબાજુની બધી જ જગ્યાઓ, ઘરમાં, બહાર, સોસાયટીના પ્લે ગ્રાઉન્ડમાં, સ્કૂલમાં, બગીચામાં રહેલી દરેક નાનામાં નાની વસ્તુઓ સાથે આપણી કંઈક ને કંઈક યાદ જોડાયેલી છે, અને એ દરેક વસ્તુ મને હર ક્ષણ તારી યાદ અપાવે છે. તે એક વાર મને કહ્યું હતું ને, “જો ભવિષ્યમાં હું ક્યારેક દૂર જતી રહું ને મારી યાદ આવે, તો યાદ કરી લેવાની. દુઃખી નહિ થવાનું.” એટલે જ હું દુઃખી નહિ થવાનાં પ્રયત્નો કરું છું.એ તો તને પણ ખબર છે, તારી સાથે વાત કર્યા વગર હું કેટલી ખુશ રહી શકું.

મારે બસ તુ સાથે જોઈએ છે. ભૂતકાળમાં પાછું જવું છે અથવા તો એવું ભવિષ્ય જોઈએ છે, જેમાં તું મારી સાથે હોય. આ વર્તમાન મને ખુબ હેરાન કરી રહ્યું છે…”

આટલું લખતાં જ મીરાંની હિંમત તૂટી પડે છે. તેના હાથમાંથી પેન છૂટી જાય છે. તેને ખ્યાલ પણ નથી રહેતો કે, ક્યારે તેના અશ્રુથી કાગળ સંપૂર્ણ ભીંજાઇ જાય છે.

8 વાગી ગયા હોવા છતાંયે મીરાં તેના રૂમમાંથી બહાર નથી આવતી. તેના મમ્મીને ખબર હોય છે, તે હજુ સુધી કેમ નથી આવી અને એ પણ ખબર હોય છે કે, આજે તેમની દિકરીને તેમની ખૂબ જ જરૂર છે. તેઓ મીરાંના રૂમમાં આવે છે. તેના હાથમાં કાગળ જોઈને બધું જ સમજી જાય છે. તેઓ મીરાંની પાસે જઈને બેસે છે. મીરાં તેમની સામે જોતી પણ નથી. થોડી ક્ષણો પછી, તેના મમ્મી પુસ્તકોના કબાટમાંથી ઘણાંબધાં પત્રો લઇને આવે છે અને મીરાંની સામે મૂકીને કહે છે,

“મીરાં, મને ખબર છે તુ હજુ પણ સ્વરાને પત્રો લખે છે. પણ બેટા, આ પત્રો હવે તેના સાચા સરનામે ક્યારેય નથી જવાના, સ્વરા સુધી ક્યારેય નથી પહોંચવાના. એ આપણાથી ખૂબ દૂર જતી રહી છે. આસમાનને પેલે પાર, બીજી દુનિયામાં. મને ખબર છે, તુ સ્વરાને ખૂબ જ યાદ કરે છે. તમારી દોસ્તી કેટલી ગાઢ હતી એ પણ હું સારી રીતે જાણું છું. પણ, આજે એ ઘટનાને, એ એકિ્સડેન્ટને 4 મહિના થઈ ગયા છે. આજથી 4 મહિના પહેલાં જ સ્વરા આપણને મૂકીને ખૂબ જ દૂર જતી રહી છે, એવી જગ્યાએ જ્યાંથી એ ક્યારેય પાછી નહિ આવી શકે. તેના માટેનો તારો પ્રેમ, તારી લાગણીઓ બધું જ બરાબર છે, પણ તારે હવે હકીકતનો સ્વીકાર કરવો પડશે. પ્રયત્ન તો કરી જો. આજે જો સ્વરા જીવતી હોત, તો તને આવી હાલતમાં જોઈને કેટલી દુઃખી થાત, અને આજે તો તેનો બર્થડે છે. કમસે કમ તેને ખુશ કરવા તો તું ખુશ રહેવાનો પ્રયત્ન કર. મારી માટે નહિ, ખુદની માટે નહિ પણ તારી સ્વરા માટે તો પ્રયત્ન કર.”

આટલું સાંભળીને મીરાં મમ્મી સામે જુએ છે અને તેમને ભેટી પડે છે. કેવી રીતે સમજાવે મમ્મીને કે, કેટકેટલાં પ્રયત્નો કરીને તે થાકી છે.

*

તમે ક્યારેય કોઈ એવા સરનામે પત્ર લખ્યો છે ,કે જ્યાં પત્ર પહોંચવાની શક્યતા એકદમ નહિવત્ હોય??? જો ના લખ્યો હોય તો લખજો ક્યારેક. એ સરનામે પત્ર તો નહિ પહોંચી શકે, પણ હદયને ઘણી રાહત મળશે✨.”

આયુષી🌺

હેલો,એવરીવન!

કેમ છો બધાં, મજામાં ને???

આશા રાખું છું કે બધાં મજામાં હશો.

આજે હું તમારી સાથે એક સરસ વાત શેયર કરવા માંગું છું.

*

એક સાંજે હું ચા પીતાં-પીતાં ટી.વી જોઈ રહી હતી. અને મારી એક ફ્રેન્ડનો ફોન આવે છે. હાય, હેલો ને થોડીઘણી આડીઅવળી વાતો કર્યા પછી તેણે મને કહ્યું, “એ બધું છોડ, આજે તને એક મસ્ત વાત કહું. ” મેં પણ કહ્યું, “હા, બોલ. ” પછી તેણે મને વાત કરી કે, એની ઓળખાણમાં જ કોઈ અંકલ છે, તેઓ એક દિવસ કોઇ કામથી હોસ્પિટલમાં ગયાં હતાં. ત્યાં તેમણે જોયું કે, એક બાળકીનો થોડા સમય પહેલાં જ જન્મ થયો છે અને તેની માતા તેને જન્મ આપતાંની સાથે જ મૃત્યુ પામી છે. તે બાળકીના પિતા તો એક મહિના પહેલા જ કોઈ એક્સિડેન્ટમાં મૃત્યુ પામ્યાં હોય છે. હવે, પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ બાળકીનું શું થશે? તેનાં સગા-વહાલાં કે ઓળખીતામાંથી પણ કોઈ તેની જવાબદારી લેવા તૈયાર થતું નથી. ત્યારે આ અંકલ આગળ આવે છે અને કહે છે, “હું લઈશ આ દિકરીની જવાબદારી!!! હું તેને ઉછેરીને મોટી કરીશ. ભગવાનની કૃપાથી મારે એક દિકરો છે, પણ એકે’ય દિકરી નથી. ” ત્યારબાદ, તેમણે આ બાળકીને ઘરે લાવે છે.

આજે તેને ઘરે લાવ્યાંને ઘણો સમય થઈ ગયો છે અને 2 અઠવાડિયા પહેલા જ તેનું સરસ મજાનું નામ પણ રાખ્યું છે- આયુષી🌺

*

આ કિસ્સો તમારી સાથે શેયર કરવાનો આશય એ જ કે, આવાં સત્કાર્યોની બધાને જાણ થાય. ઘણીવાર આપણને આસપાસના લોકો પાસેથી કે ગમે ત્યાંથી સાંભળવા મળતું હોય છે, “કોઈ કોઈનું હોતું નથી”, “બધાને પોતાના સ્વાર્થથી જ મતલબ હોય છે”, ” દુનિયા મતલબી છે “, વગેરે વગેરે. એવું પણ સાંભળવા મળે છે કે,” માણસાઈ શબ્દ આજકાલ પ્રવચનોમાં વધારે ને વ્યવહારમાં ઓછો જોવા મળે છે “. ક્યારેક અમુક કિસ્સાઓ સાંભળીને કે વાંચીને આપણું મગજ એ તથ્ય માનવા તૈયાર પણ થઈ જાય છે. અને તેથી જ હું માનું છુ કે, આવા સારાં કિસ્સાઓ લોકો સાથે શેયર કરવા ખૂબ જ જરૂરી છે, જે તમને યાદ અપાવે છે કે, ‘માણસાઈ નામનો છોડ, હજુ પણ પૃથ્વી પર શ્વાસ લઇ રહ્યો છે’. આ કિસ્સો સાંભળીને તથા તમારી સાથે શેયર કરીને ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહી છું. જો આ વાંચીને તમને પણ આનંદ થયો હોય તો સમજીશ મારું લખવું સફળ થયું.

આ તો થયો એક જ કિસ્સો, જેની મને જાણ હતી, જો તમે આજુબાજુમાં નજર કરશો તો આવા કિસ્સા ક્યાંકને ક્યાંકથી જરૂર મળી રહેશે.

જ્યારે જ્યારે બસમાં કોઈ વ્યક્તિને પોતાની સીટ, અજાણ્યા વૃધ્ધને આપતા જોઉ છું, ત્યારે ત્યારે થાય છે, આ છોડ( જેની આપણે આગળ વાત કરી) શ્વાસ લઇ રહ્યો છે…..

જ્યારે જ્યારે સ્કૂલે જતું કોઈ નાનું બાળક, પોતાની પોકેટમનીમાંથી પૈસા ખર્ચીને તેને રસ્તામાં મળતાં ગલૂડિયાંને, ભૂખ્યું જાણીને બિસ્કીટ ખવડાવે છે, ત્યારે ત્યારે થાય છે, આ છોડ શ્વાસ લઇ રહ્યો છે…..

અને જ્યારે જ્યારે આવા કિસ્સાં સાંભળું છું, ત્યારે ત્યારે થાય છે, આ છોડ શ્વાસ લઇ રહ્યો છે….. ❤

મારો પરિચય.

હેલો! હું અપેક્ષા. હાલ, સ્નાતક કક્ષાએ chemistry ( રસાયણવિજ્ઞાન) વિષય સાથે અભ્યાસ કરુ છું. મારા વિશે કંઈક કહુ તો, મને નવલકથાઓ, કવિતાઓ, ગઝલો વાંચવી, મ્યુઝિક સાંભળવુ, મિત્રો સાથે કોલેજ કેન્ટિનમાં બેસીને ગપ્પા મારવા, સારી સારી ફિલ્મો જોવી, રોજ સાંજે કાનમાં ઈયરફોન સાથે એકલા આંટો મારવા નીકળી જવું, ઘડીભર થોભીને સૂર્યને આથમતો અને વાદળોને રંગ બદલતાં જોવા, મનમાં જે કંઈ પણ વિચાર આવે તે બધા જ મારી ડાયરીને કહેવા, બસમાં બેસીને બારીમાંથી પાછળ છૂટી જતાં દશ્યોને નિહાળવા, મારા ફોન સાથે ટાઈમપાસ કરવો, ચા પીવી- વગેરે ખૂબ જ ગમે.

પોતાની જાતનું જો એક જ શબ્દમાં વર્ણન કરવાનું કહેવામાં આવે, તો સૌથી પહેલો શબ્દ મગજમાં આવે – મહત્વકાંક્ષી. જયારથી સમજણ આવી, ત્યારથી હંમેશા એક જ વિચાર મનમાં રમતો રહે છે- “આ દુનિયામાં આવ્યા છીએ, તો કંઈક કરીને જ જઈએ ને! 🙃” મારા 19 વર્ષના જીવનકાળ દરમિયાન હજુ સુધી એવું “કંઈક” કર્યુ નથી, પરંતુ તે માટેના પ્રયાસો ચાલુ છે.

કોઈ એક ચમત્કારિક ક્ષણે અહેસાસ થયો કે, વાંચવાનું તો ગમે છે, પણ લખવાનું’ય ખૂબ જ ગમે છે. વિચારોને કાગળ પર ઊતારીને અદ્ભૂત આનંદ આવે છે. નાની હતી ત્યારે પણ મારા મનપસંદ કાર્ટૂન કેરેક્ટર્સને અને આજુબાજુમાંથી પાત્રો લઈને વાર્તાઓ લખ્યાં કરતી. એ વાર્તાઓ તો અત્યારે ખબર નહિ કયાંય હશે, પણ મારું “પેશન – ગમતું કામ” મને મળી ગયું છે. અને બસ, લખવાનું ચાલુ કરી દીધું. એવું પણ નથી, કે વિચાર આવ્યો ને તરત જ અમલમાં મૂકયો છે, એ પહેલાં મારી સામે ઘણાંયે પશ્નો હતાં- મારું લખાણ લોકો સુધી કેવી રીતે પહોંચાડીશ? શું હું સારું લખી શકું છું? શું લોકોને વાંચવું ગમશે? વગેરે વગેરે. જયારે આ મૂંઝવણ મનમાં ચાલતી હતી, ત્યારે જ એક વાકય કયાંકથી વાંચવામાં આવ્યું, “The greatest satisfaction comes not from getting what one wants, but from working for it”

આ વાંચ્યા પછી થયું, હવે તો લખવું જ છે. પરીણામ જે આવશે તે જોયું જશે. ભવિષ્યમાં કોઈ સમયે અફસોસ ના થવો જોઈએ કે, મેં પ્રયત્ન પણ ન કર્યો. આજે ખૂબ જ ખુશ છું. કારણ કે, સ્વપ્ન તરફ પ્રથમ ડગલુ માંડી દીધું છે. આ સફર સુંદર બને, તે માટે હદયપૂર્વક પ્રયત્ન કરીશ અને અપેક્ષા છે, મુસાફરીની મજા જ એટલી આવે કે મંઝિલની રાહ જોવાનું ભૂલી જવ!!!!